1149.

ઝબકીને જાગેલા ઝાડવાને વાયરાએ ગળચટ્ટુ ગીત એક પાયુ.
આજ ઉગ્યુ પરોઢિયુ સવાયુ.

પંખીએ પંચમના સુરના છંટકાવથી ઝરણાની નીન્દરુ ઉડાડી;
ઝાકળની જેમ ઝીણાં વરસેલા તડકાએ આખ્ખીય ધરતી ડુબાડી;
એમા અન્ધારુ આઘ્ઘે તણાયું.
આજ ઉગ્યુ પરોઢિયુ સવાયુ.

શરમાતી કુમ્પળના કાનમાં સુગન્ધ ભરે હળવેથી વાત એક મીઠ્ઠી;
આકાશે કંકુનો ચાન્દલો કર્યો છે ને નદીયુને ચોળાતી પીઠ્ઠી;
પછી ચકલીએ ફટ્ટાણું ગાયુ.
આજ ઉગ્યુ પરોઢિયું સવાયુ…19.5.2022

1148.

ગંધ તૂરી શ્વાસમાં ને ટેરવે રસ ઊઘડે,
પાંખ ફફડાવે અને અસ્થિમાં સારસ ઊઘડે

તરસમાં તરબોળ હું ધ્રૂજું નહિ તો શું કરું ?
હાથ છેટે ખેતરો લીલાં ને લસલસ ઊઘડે.

વાત એવી શું હશે વર્ષાની બરછટ છાંટમાં,
કે અચાનક યાદના ચ્હેરામાં અતલસ ઊઘડે ?

ક્યાં પહોંચ્યો છું વગર ઝાલ્યે પરીની આંગળી ?
સ્પર્શ કરવા જાઉં ને સમણાનું ધુમ્મસ ઊઘડે.

સાત રંગોમાં પછી ક્ષમતા બયાનીની નથી,
જો ઉષાની જેમ બસ એકાદ માણસ ઉઘડે.

– હેમેન શાહ…15.5.2022

1147.

ચડી કોને ચાનક? ચડ્યું તાન…? આહા!
ભુવન આખું જાણે કે લોબાન… આહા!

ન શ્વાસોનું પણ કંઈ રહ્યું ભાન… આહા!
અચાનક ચડ્યું આ કેવું ધ્યાન… આહા!

ખુદાએ બનાવ્યું કેવું સ્થાન… આહા!
ખરું કહું તમારી આ મુસ્કાન… આહા!

હથેળીમાં સાક્ષાત છે સરસતીજી,
ખરો હાથ લાગ્યો છે દીવાન… આહા!

કોઈ પારકું થઈ, જતું’તું એ વેળા,
શું આંખોએ આપ્યું’તું સન્માન… આહા!

આ મન જ્યારે મંજીરા જેવું બની જાય,
ખરેખર પછી માંડી જો ! કાન… આહા!

‘ફૂલોએ કદી પણ ન મુરજાવું ક્યાંયે,’
– કર્યુ રાજવીએ આ ફરમાન… આહા!

નદી એક પાછી ચડી છે પહાડે,
પહાડોમાં જાગ્યું છે તોફાન… આહા!

– જિગર જોશી ‘પ્રેમ’…6.5.2022

1147.

તેજના ભારા લખ્યા ને ઘોર અંધારા લખ્યાં,
તેં હરેક ઈન્સાન કેરાં ભાગ્ય પણ ન્યારાં લખ્યાં..

સૂર્ય પર જ્વાળા લખી ને રણ ઉપર મૃગજળ લખ્યાં,
રાખની નદીઓ તટે તેં સ્વપ્ન- ઓવારા લખ્યા.

શું હતો તુંયે વિવશ લખવા હૃદયને શબ્દમાં ?
જળ ઉપર લહેરો લખી ને આભમાં તારા લખ્યા !
ઘાસ પર ફૂલો લખ્યાં ને ડાળ પર પર્ણો લખ્યાં,
મોસમે આ પત્ર કોના નામના પ્યારા લખ્યા ?
ચંદ્રએ શાના ઉમળકે સાગરે ભરતી લખી ?
ડૂબતા સૂરજને નામે રંગના ક્યારા લખ્યા ?
કોણ દિવસરાત શબ્દોની રમત રમતું રહ્યું ? રેત તો ભીની લખી, ને સાગરો ખારા લખ્યા !
– ભારતી રાણે…5.5.2022

1145.

એક બિલાડી જાડી પાડી એ તો પહેરે જીન્સ
એના બે નાનકડા બચ્ચા બ્લેક એન્ડ વ્હાઇટ ટ્વિન્સ

રોજ સવારે તળાવકાંઠે બધ્ધા ફરવા જાય
લુચ્ચા મગરભાઈના મોમાં પાણી આવી જાય

મીઠ્ઠું મીઠ્ઠું સ્માઇલ આપી એ સૌ ને લલચાવે
બચ્ચ્ચાને પણ ખબર હતી કે બિલ્લી એને ભાવે

મોર્ડન બિલ્લી જોઈ મગરનું ચિત્ત ચડે ચકરાવે
આ તે કેવી બિલ્લી જેને ચક્કર પણ ના આવે !

એક દિવસ તો બિલ્લીબાઈએ મનમાં વાળી ગાંઠ
ક’દિ ભૂલે નહીં એવો શીખવું મગરભાઈને પાઠ

કપડાની એક જાડી બિલ્લી બિલ્લીબાઈ લઈ આવ્યા
સરસ મજાની સાડી ઉપર ગોગલ્સ પણ પહેરાવ્યા

તળાવ પાળે લઈ જઈ એને તરતી મૂકી દીધી
ઝપટ લગાવી મગરભાઈએ બિલ્લી ઝડપી લીધી

કપડાની બિલ્લીમાં પથ્થર સંતાડયા’તા સાત
તડ તડ તડ તડ તડાક્ તૂટ્યાં મગરભાઈના દાંત

બિલ્લીબેન ને મગરભાઈનો હિસાબ થઈ ગ્યો ચોખ્ખો
તળાવમાં તો બધા જ ખીજવે આવ્યો મગર બોખ્ખો .

-કૃષ્ણ દવે. …3.5.2022

1144.

જાવ મથૂરા ત્યારે, ઉદ્ધવ ! લૈ જાજો સંગાથે !
ગોકુળથી શું જાય અતિથિ તદ્દન ઠાલા હાથે ?!

અધખૂલી આ કમળકળીમાં આંસુ ઝીલી લેજો;
લિપિબદ્ધ એ વિઅરહવ્યથાઓ જઈ શ્યામને દેજો !
ઉદ્ધવ ! એને કહેજો : પૂનમને અજવાળે વાંચે;
તો ય કદાચિત દાઝી જાશે આંખ, અક્ષરી આંચે !

ઊનાં ધગધગતા નિશ્વાસો નથી આપતાં સાથે !
જાવ મથૂરા ત્યારે, ઉદ્ધવ ! લૈ જાજો સંગાથે !

લો, આ મોરમુકુટ, વાંસળી, વૈજ્યંતીની માળા;
કદમ્બની આ ડાળ, વસન રાધાનાં અતિ રૂપાળાં !
સ્મૃતિચિહ્ન સઘળાં એકાંતે જ્યારે શ્યામ નીરખશે;
ત્યારે વ્રજને સંભારીને ધ્રૂસકે ધ્રૂસકે રડશે !

કહેજો કે આ યમુના તટની ધૂળ ચઢાવે માથે !

જાવ મથૂરા ત્યારે, ઉદ્ધવ ! લૈ જાજો સંગાથે !
ગોકુળથી શું જાય અતિથિ તદ્દન ઠાલા હાથે ?!

– વીરુ પુરોહિત…2.5.2022

1143.

ડેલીએથી પાછા મ વળજો, હો શ્યામ
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

પાછલી તે રેણની નીંદરની કામળી
આઘી હળસેલતીક જાગું
દયણે બેસુંને ઓલી જમનાના વ્હેણની
ઘુમ્મરીમાં બૂડતી લાગું

બારણાંની તડમાંથી પડતા અજવાસને
ટેકે ઊભી રે મારી ધારણા
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

કૂકડાંની બાંગ મોંસૂઝણાંની કેડીએ
સૂરજની હેલ્ય ભરી આવે
કોડના તે કોડિયે ઠરતા દીવાને ફરી
કાગડાના બોલ બે જગાવે

ખીલેથી છૂટતી ગાયુંની વાંભ મુંને
બાંધી લ્યે થઈને સંભારણાં
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

ડેલીએથી પાછા મ વળજો, હો શ્યામ
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

-રમેશ પારેખ અને અનિલ જોશી…1.5.2022

1142.

હેતે માંડીને તમે મીટ
હોંકારો દીધો એક હળવો હુલાસનો કે રણઝણતાં ઊભર્યાં આ ગીત !

તડકો અડે ને અડે અધપાકી શાખમાં
મધ શી મીઠાશનાં તે પૂર,
વાયરાની પ્હેરીને પાંખ એક અણપ્રીછી
મ્હેંક વહી જાય દૂર દૂર
નેહભીની આંગળિયે અડ્યું કોક ભોંયને કે ખળખળતાં ચાલ્યાં અમરીત !
હોંકારો દીધો એક હળવો હુલાસનો કે રણઝણતાં ઊભર્યાં આ ગીત !

ઊતરે એ ફાલ મહીં અરધું તે ઓરનું
ને અરધામાં આપણું પ્રદાન,
સહિયારા યોગ વિણ સૃષ્ટિમાં ક્યાંય કશે
સર્જનની સંભવે ન લ્હાણ !
નીપજ્યાનો લઈએ જી લ્હાવ કહો કોણ અહીં કર્તા ને કોન તે નિમિત્ત ?!
હોંકારો દીધો એક હળવો હુલાસનો કે રણઝણતાં ઊભર્યાં આ ગીત !

– પ્રદ્યુમ્ન તન્ના …30.4.2022

1141.

ઘુંઘરૂના ઝણકારે વાત કરી નોખી,
મેં જિંદગીને મીરાંની સાથ પછી જોખી.

પાલવમાં ચીતરેલો મેવાડી મહેલ તોય
ગોકુળના વાયરાની આશ સદા રમતી,
ચાંદલો કરતાં હું દર્પણમાં જોઉં :
થાય મુજથી વધારે હું માધવને ગમતી.

રાતનું અજવાળું આવે બોલાવવાને મૂર્તિએ
આંખોથી આવ કહી પોંખી.
મેં જિંદગીને મીરાંની સાથ પછી જોખી.

તંબૂરો છેડે છે એના એ સૂર
હવે વાંસળીના સૂરોમાં લીન થઇ જાવું છે
દરિયો બનીને જો માધવ લહેરાય તો
ઝળહળતા શ્વાસ કાજ મીન થઈ જાવું છે,

જન્મે જન્મે હું એને જાણીને ભુલું ને
જન્મે જન્મે એણે તોય મને ગોખી.
મેં જિંદગીને મીરાંની સાથ પછી જોખી.

-મુકેશ જોષી…29.4.2022